દિવાળી ! 

દિવાળી છે ને , દારૂ જેવી છે ! હોય એક જ દિવસ માટે પણ એની અસર થોડા દિવસો સુધી રહે જ. વાંદરાઓ, ગરોળી થી લઇને માણસો ની જેમ જ દિવાળી ની પણ મહદઅંશે ઉત્ક્રાંતિ થઈ છે. સતયુગ માં પરભુ શ્રીરામ એમના ઘેર પાછા આવ્યા તા એટલે દિવાળી કરી હતી અને કળયુગ માં દિવાળી આવે છે એટલે આપણે ઘરની બહાર જતા રહીએ છીએ ! વાર્તા આખી ૧૮૦ ડિગ્રીએ ફરી ચૂકી છે. Anyways , અત્યાર ના સમય માં દિવાળીની ડોમિનોઝ માં થી મંગાયેલા પિત્ઝા ની જેમ જ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને એની સાથે સાથે દિવાળી હોમવર્ક થી લઇને દિવાળી પછી શરૂ થતી પરીક્ષા ના ટાઈમ ટેબલ સુધીની વસ્તુઓ GST ની જેમ આવી જાય છે. “હવે પહેલા જેવી દિવાળી નથી લાગતી”, “આ વખતે માર્કેટ મંદુ છે “જેવા વાક્યો થકી આ દિવાળી નામના તહેવાર નુ આગમન થાય છે ! આ તહેવાર માં ધનતેરસ ના દિવસે અંબાણી, કાળીચૌદસ ના દિવસે એક અતિકાળા વ્યક્તિ અને દિવાળી ના દિવસે નાસા દ્વારા સ્પેશ્યલી રિલિઝ કરાવેલો ફોટો ( જેની નાસા ને ય ખબર હોતી નથી ) જેવી ચીજવસ્તુઓ મોકલવાનો અલગ જ મહિમા જાણવા મળ્યો છે ! દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ , આ વરસ ક્યાં બેસે છે અને વર્સ માં એક જ વખત બેસે છે જેવા સવાલો મને ઘણીવાર ઉદ્ભવ્યા છે પણ એના જવાબમાં મને મોટેભાગે ગાળો જ પડતી હોવાથી હવે હું એ પુછતો નથી ! બેસતા વર્ષની ઉજવણી રૂપે નવા વર્ષની શુભકામનાઓ અને “હવે નવા વર્ષમાં ઘરે બેસવા આવો” જેવી ભાવવિહીન લાઈનો બોલ્યા બાદ સામે જવાબ માં ” તમે આવો પછી અમે આવીશુ” અને એક જુઠ્ઠુ હાસ્ય સાંભળવા જેવી ફોર્માલિટી પુરી કરીને ફોન મુકી દેવામાં આવે છે ! જો કોઇના ત્યાં ભૂલેચૂકે જતા રહ્યા તો ઘનતેરસ અગાઉ બનાવેલી આઈટમો તમને એક કાચના ટેબલ પર એક ગોળ કે ચોરસ ઘણાબધા ખાના હોય એવા એક ખોખામાં પીરસી , લેજો હોં કહીને તમારુ સ્વાગત કરવામાં આવે છે. એ સિવાય ઘણી જગ્યાએ “શું લેશો ઠંડુ કે ગરમ?” પૂછીને પાણીનો ગ્લાસ ધરબાવી દેવાનો પણ રિવાજ ચાલે છે ! અને હા , જતા જતા એક દસની “કડક” નોટ ઘરના સૌથી નાના બાળકને પોતાને કલાક સુધી સહન કરવા બદલ અપાય છે ! આમ આજકાલની દિવાળી પૂરી થાય છે..! 

છેલ્લે છેલ્લે 

– આવો ને નવા વર્ષમાં ઘરે બેસવા 

– તમારુ ઘર છે કે શૌચાલય !

Advertisements

મોડું ! 

“સવાર સવાર માં વહેલો ઉઠુ તો જીંદગીના લગભગ ૮૦% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવુ લગભગ ભારતવર્ષની દરેક માતાઓ નુ માનવુ છે”? આવો એક હડપ્પન સંસ્કૃતિ વખતનો જોક્સ હજીપણ ઘણાખરા વોટ્સ એપ ગૃપ માં અને ફેસબુક પર જોવા મળી રહ્યા છે ! જોક્સ જુનો છે પણ છે વાત મુદ્દાની. જેમ ક્રિકેટ ની ટીમ પહેલી બેટિંગ કર્યા પછી કાયમ માટે ૧૫-૨૦ રન શોર્ટ હોય છે એમજ ગમે એટલા વહેલા ઉઠીએ માતાઓની નજર માં હંમેશા અડધા એક કલાક તો મોડા જ રહેવાના !! 

મોડુ થવુ એ વસ્તી વધારો, પોલ્યુશન, નિરક્ષરતા અને ભારતવર્ષ ના ‘અમુક’ બાવાઓ પછી આવતી એક ગંભીર સમસ્યા છે. માણસજાત એ સૌથી હોંશિયાર સામાજિક પ્રાણીઓની કક્ષામાં આવે છે એટલે એમણે મોડુ કરવા કે થવા માટે એક આવિષ્કાર કર્યો.. આવિષ્કાર એક ટાઈમટેબલ નો..! દરેક કામનુ એક ટાઈમ ટેબલ હોય છે એ નિયત સમય માં એ કામ પુરુ ન થઇ શકે તો એ કામને “મોડુ” ઘોષિત કરી દેવાય છે ! મોડુ થવાથી બસ ટ્રેન ચુકી જવાથી લઈને આખે આખા માણસ મરી જવા સુધીની સમસ્યાઓ થઈ શકે છે

– કેમ લેટ થયો? 

સર બસ મોડી પડી હતી. 

– તે પેલી ને પ્રપોઝ કરી કે નહીં? 

અરે મોડુ થઈ ગયુ બીજાએ એને ઓલરેડી પ્રપોઝ કરી દીધી 

– પેલો પેશન્ટ કેમ મરી ગયો

સર ઈન્જેક્શન આપવામાં મોડુ થઈ ગયુ હતું 

જો શેઅર બજારમાં શેઅર કાઢવામાં મોડુ થાય તો હર્ષદ મહેતા થઈ નરસિંહ મહેતા બની જવાય છે , જો લગ્ન કરવામાં મોડુ થઈ જાય તો બે પેઢી વચ્ચે “જનરેશન” ગેપ આવી જાય છે , સવારે ઉઠવામાં મોડુ થાય તો આખો દિવસ રખડી પડાય છે… 

એમ નથી કે મોડુ થવુ એ ફક્ત આજકાલ નો જ પ્રોબ્લેમ છે.. પુરાતન કાળથી લોકો ડખા કરતા આવ્યા છે..! 

રામાયણ માં  જો લક્ષ્મણ ને પાછા આવતા મોડુ ના થયુ હોત તો રાવણ ની તાકાત છે સીતાજી ને ઉપાડી જાય. મહાભારતમાં પણ ધ્રુતરાષ્ટ ને મોડુ મોડુ સમજાયુ હતું કે ડખા આપણા સન્સ(કાર)  માં જ છે જો વહેલી તકે સમજાઈ ગયું હોત તો મહાભારત થાત ખરી.? 

૧૯૪૭ માં પણ આપણા કશ્મીર ના રાજા હરિસિંહે ભારત જોડે રહેવુ છે એવુ નક્કી કરવામાં મોડુ ના કર્યુ હોત તો અત્યારે પાડોશી ને હઈડ હઇડ ના કરવુ પડત .. 

તો આપણે જોયું એમ જ  , મોડુ થવાથી આર્થિક, સામાજિક, માનસિક, તેમજ વૈશ્વિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે

એટલે મોડું  –  ના કરે ના કરને દે ! 

બોલો અંબે માતની જય..

રવિવાર ની સવાર 

માણસને એનુ એલાર્મ નહિ પણ એની જવાબદારીઓ જગાડે છે..! રોજ સવાર પડે ને માણસ ભાગવા લાગે છે કામની પાછળ, પૈસાની પાછળ…!આ ભાગદોડ ભરી જીંદગી માં એક દિવસ આપણા આરામ માટે ફાળવવામાં આવ્યો છે  જેને પ્રેમથી લોકો “રવિવાર” કહે છે ! શિવજી ને સોમવાર , ગણપતિ ને મંગળવાર , હનુમાનજી ને શનિવાર અને માણસજાત ને રવિવાર અતિપ્રિય હોય છે.. પણ જેમ તમે જાણો જ છો કે આ એમના પ્રિય દિવસે જ એમને નવરાશ નથી હોતી..! સોમવારે શિવજી , મંગળવારે ગણપતિ અને રવિવારે માણસો “લોકો” ના કામ માં અટવાઈ જાય છે..!  
      મોટાભાગના કિસ્સાઓમાં શનિવારનુ છેલ્લુ કામ રવિવાર ના એલાર્મ બંધ કરવાનુ હોય છે જેથી માણસ એક દિવસ શાંતિથી સૂઈ શકે પણ ભારત જેવા દેશમાં એક કુદરતી એલાર્મ ની સગવડ કરી આપવામાં આવી હોય છે જેને લોકો “મમ્મી” ( પરણિત વ્યક્તિઓ “પત્ની” વાંચે ) તરીકે પણ ઓળખે છે..!  ૯ વાગ્યા એવુ કહીને ૭ વાગે ઉઠાડી દેવાની કળા બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી . તકલીફ એ નથી કે એ વહેલા ઉઠાડી દે છે, તકલીફ એ છે કે વહેલા ઉઠીને આપણને કોઈ કામ જ નથી હોતુ ! ચલો સપોઝ કરી લો કે રવિવારે સવાર સવાર માં ૭ વાગે ઉઠી ગયા , બાકીના ક્રિયાકર્મ કરીને પણ તમે ૮ વાગ્યા સુધી નવરા થઈ ગયા. પણ પછી શું?  ટાઈમ કેમનો પાસ કરવો.. Working day હોય તો તમે ઉપડી જાઓ કામ કરવા પણ રવિવારે શું.. છાપા માં આવતી બેસણાની જાહેર ખબર જોઈ ત્યા જઈ આવો તો ય અડધો કલાક થી વધારે ના થાય અને આમ પણ તમારા ટાઈમપાસ માટે બેસણા રાખવા જેવા કામ કરવા યોગ્ય ના કહેવાય..! બવ નવરા હોવ તો ઘરના કામ માં મદદ કરી શકો.. અને હા , આ ભારતીય નારીઓ ની સૌથી ખરાબ ટેવ છે, રવિવારે ઘર સાફ કરવાની ! ખબર નઈ કેમ પણ એમને રવિવાર જ મળે આ બધુ કરવા માટે… આ તો ઠીક છે મુમતાઝ મરી પછી તાજમહાલ બનાવાયો નહીતો દર રવિવારે તાજમહાલ ની સાફ સફાઈ કરવા કેટલા માણસો રાખવા પડત ને એમના પગાર મા જ મુઘલ સલ્તનત પૂરી થઈ જાત..! 

ટુંકમાં જો નવરા રહ્યા તો કાચબા ની ગતિથી અને ઘરવાળી ના હાથે ચડી ગયા તો વીજળીવેગે રવિવાર પૂરો તો થઈ જ જાય છે !

દર્શવાણી  :   અઠવાડિયા માં બે રવિવાર તો હોવા જ જોઈએ.. એકમાં તમે મહેમાન ના ઘરે જાઓ ને બીજામાં મહેમાન તમારા ઘરે આવે.. આ તો શું , સરભર થઈ જાય ને..! 

તુ રહેવા જ દે.. 


મને મારા ઘણા મિત્રો એ ના પાડી , કે દર્શિલ્યા રહેવા દે… આ ગરબા કરવાનુ તારુ કામ નય. એમાં પાછા મારા ઘરના સભ્યો સોનામાં સુગંધ ભળે એમ એ વાત માં એમની વાત ભેળવી દીધી કે આ કરવા કંઈક જાય છે ને નાલાયક કરીને કંઈક આવે છે… તુ રેહવા જ દે જે ! આમાં મૂળ મારી છાપ જરા ઘરમાં એવી કે આ માણસ નુકશાન સિવાય બીજું કંઈક નવુ ના કરે ! એક દિવસ મમ્મીએ ઘડિયાળ લટકાવવા માટે દિવાલમાં એક ખીલ્લી પરોવવાનુ કીધેલુ , પણ આજકાલ ના બાંધકામ તો તમને ખબર જ છે..! બધુ રમણ-ભમણ થઈ ગયુ ! આ સિવાય એક વાર ટ્યુબલાઈટ પરથી ગરોળી હટાવવાનુ કામ મને સોંપવામાં આવ્યુ..! મારી અંદર નો ભાલાવીર જાગી ઉઠ્યો અને જેમ ભાલાફેંકમાં ખેલાડી ચોક્કસ એંગલ લઈને ભાલો ફેંકે એમ આપણે પણ છુટ્ટુ સ્ટમ્પલુ ગરોળી ને તાક્યુ , પણ આ ગરોળી ખસી ગઈ એમાં મારો શું વાંક ! મને થોડી ખબર કે ટ્યુબલાઈટ આટલી નાજુક હશે.. નવી ટ્યુબલાઈટ નો ખર્ચો તો થયો જ પણ સાથે સાથે નવી આયોડેક્શ પણ લાવવી પડી..!! આ સિવાય ટીવી ના રિમોટ , દિવાલ પર લગાવેલ લટકણીયા  , દિવાલ ના પોપડાઓ અને મોબાઈલ ના ટુટેલા કવર નો ખર્ચા નો યશ મને પોતાને જ જાય છે…!!

 હવે આવા આવા કારનામા કર્યા હોય ને નવુ કંઈક ગતકડું લઈને આપણે આવીએ તો જનતા વિરોધ કરે એ સ્વાભાવિક છે ! પણ મારો નિર્ણય પાક્કો હતો , આપણે ગોળગોળ ફરતા ફરતા તાળીઓ પાડતા શીખવું એટલે શીખવું  ! આ બધુ નક્કી તો કર્યુ  પણ હવે કરવું શું ? શીખવું કેમનુ..! જુઓ આવુ તાલ સાથે તાળીઓ પાડવા માટે “ક્લાસ” કરવાનુ મારા સ્વભાવમાં જ નથી ! અને ચલો ધારી લો , મેં નક્કી કર્યુ કે ક્લાસ કરવા છે તો પણ “અબ્બા નહી માનેંગે”  થી જ વાત અટકી જાય ! એટલે આપણે સહારો લીધો આપણા “ભાઈ”બંધો નો.. આ સિચ્યુએશન એટલે ” ઉજ્જડ ગામ માં એરંડા પ્રધાન “અને” ગરજે ગધેડાને બાપ બનાવવો પડે “જેવી બે કહેવાતો નો સંગમ હતો..! કારણ કે એમના સિવાય બીજુ કોઈ મને શીખવાડે એવુ નહતુ ને એમને ય કંઈ ઠીક ઠીક જ ગરબા આવડતા હતા..! 

નવરાત્રી બસ ઝાંપે આવીને ઉભી હતી ત્યારે મારુ ” ટ્યુશન ” ચાલુ થયુ  , સૌથી પહેલું LESSON એ હતું કે તાળી ત્યારે જ પાડવી જ્યારે તારી આગળ વાળો પાડે , હવે આપણો જીવ સ્વમાની ! કોક કરે ને મારે એના પર આધારિત થોડી રહેવાય આઝાદી ના ૭૧ વર્ષ પછી પણ મારે તાળીઓ પાડવા માટે આગળ વાળા પર આધારિત રહેવાનુ  ! ના , હું નહતો જ માનતો પણ મારા મિત્રો એ મને ૪ દિવસમાં “આસાની” થઈ મનાવી લીધો . જેમતેમ કરી હું ગોળ ફરતા, આગળ વધતા, તાળી પાડતા ને આ ત્રણેય વસ્તુ એક જ સમયે કરતા શીખ્યો ખરી ! અને છેલ્લે વારો આયો રાસ નો..!!! એમાં થયુ એવુ કે મને નહોતી ખબર , કે દાંડિયો માથામાં આટલો બધો વાગે અને મારુ નિશાન તો આગળ ગરોળી વાળી વાત માં જોયુ  જ હશે, એણે દાંડિયો ખસેડી લીધો એમાં હું શું કરું.. જોકે ચિંતાની કોઈ વાત નથી , ચાર ટાંકા અને થોડી મલમપટ્ટી બાદ એ સાજો સારો થઈ ગયો હતો.. અને ત્યાં જ આખો પોગરામ પડતો મૂકાયો હતો. 

આજે ફરી વર્ષ પછી એ જ સમય આવી પહોંચ્યો છે જ્યાં મારે ફરી નવેસરથી ગરબા નો એકડો ઘૂંટવો છે , પણ મિત્રો કે છે .. દર્શિલ્યા , તુ રહેવા જ દે..! 

દર્શવાણી  :  આપણે ગુજરાતીઓ ગરબા કરવા નવરાત્રિ પર કોઈ ખાસ આધાર નથી રાખતા , ગણપતિ વિસર્જન ને લગ્ન વગેરેમાં પણ કરી જ નાખીએ છીએ ! 

મુઝિક 


મુઝિક એટલે સંગીત ને સંગીત એટલે માણસો ના વિચારો નો એક દર્પણ ! આપણા ત્યાં સંગીત એ ક્રિકેટ જેવુ છે…! માણસને આવડે કે ના આવડે , એમાં રસ તો બધા ને હોય હોય ને હોય જ , અને કેમ ના હોય આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં લગભગ દરેકે દરેક સિચ્યુએશન માટે ઓછામાં ઓછુ એક ગીત તો હોય જ છે ! 

એક રીતે જોવા જઈએ તો આપણે સંગીત થી ઘેરાયેલા છીએ… શરણાઈ ના પેંપેંપેંપેં થી લઇને કોઈ ઊંચાઈ થઈ સ્ટીલ નો ડબો પડે ને જે ટંંંંં અવાજ આવે  એ સંગીત જ છે.. અને  “ગણપતિ આયો બાપા” થી લઈને Despasito સુધીના બધા ગીતો પણ સંગીત જ છે ! 

લોકનઝરે જોવા જઈએ તો સંગીત કે ગીત ના બે મુખ્ય ફાંટા પડે છે ! એક ઈમ્પ્રેસિવ અને બીજુ એક્સ્પ્રેસીવ. શાંત ચિત્તે કોઇને ખુશ કરવા હોય તો ઈમ્પ્રેસિવ સંગીત નો સહારો લઈ શકાય. એમાં બધા વાજીંત્રો આવી જાય , પણ એમાં તમે તમારી ભાવનાઓ નુ વર્ણન ના કરી શકો ! તમે લૂઝમોશન ના શિકાર બન્યા હોવ તો એનુ દર્દ તમે વાંસળી ના સૂર રેલાવી કે ” સારે ગામા” વાળા રાગ(ડા)  તાણી ને ના દર્શાવી શકો.. એના માટે તમારે ” યૂં હી પહેલુ મેં બૈઠે રહો.. આજ જાને કી જીદ ના કરો ” જ ગાવું પડે ! અને હા , ગેસનો બાટલો થઈ રહ્યો  હોય ને ગીઝર બગડ્યુ હોય ત્યારે મહાપરાણે નહાતી વેળા  “ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહિયે” ગાવું એ પણ એક્સપ્રેસીવ સંગીત જ કેવાય ! 

આ બે પ્રકારો વચ્ચે કોઈ જાતની કોમ્પિટિશન જ નથી..! શાસ્ત્રીય સંગીત માં ભારોભાર મંદી છે અને પેલી બાજુ એટલી બધી તેજી છે કે કોઈ (સબળા) નારી સેલ્ફો લે અને કંઈક બખાળો કરે તો એવાય ગીતો “બ્લોકબસ્ટર” થઈ જાય છે  !!! 

હા, આગળ કીધું એમ આપણી પાસે બવ બધો સ્ટોક પડ્યો છે સંગીત ના નામે..! બધી જ સિચ્યુએશન માટે કંઈક ને કંઈક ગીત છે જ.. અને ઉંમર ની સાથે સાથે લોકો નો સંગીત નો ટેસ્ટ પણ બદલાતો રહે છે..! 

પહેલા તો તમને “રાધે રાધે” સિવાય કંઈ ગમતું જ નથી હોતુ.. પછી તમને ઢીંચાક ઢીંચાક વાળા ગીતો ગમવા લાગે છે.. પછી તમે પ્રેમ માં ભમ થાવ છો એટલે તમને અરિજીત સિંધ  ( Love version ) ગમવા લાગે છે.. પછી તમારો એ જ પ્રેમ માં ફિયાસ્કો થઈ જાય એટલે તમને અરિજીત સિંધ  ( Sad version )  ગમે છે અને છેલ્લે ભક્તિ સંગીત પણ કોઈક કોઈક ને ગમી જાય છે ! (ત્યારે બીજા કોઈ ની ચોઈસ નથી હોતી ને..! ) 
દર્શવાણી  :   ગીતો નો ઉપયોગ પણ પૈસા ની જેમ જ સમજદારી પૂર્વક અને જ્યાં થતો હોય ત્યાં જ કરવો જોઈએ…! પછી ડાયરામાં “Shape of you” અને ગણપતિ પંડાલ માં “જુમ્મા ચુમ્મા દે દે” જેવા ગીતો ના વગાડાય  ! 

મહાન દેશની મહાન આ વાત છે… 

મહાન દેશની, મહાન આ વાત છે,

ક્યાંક દેશ વિકાસમાં, તો ક્યાંક પછાત છે !
જ્યાંની વલ્લભી, તક્ષશિલા વિશ્વભરમાં વખણાય છે,

અને આજની એજ્યુકેશન સિસ્ટમમાં માત્ર ‘ભાર’ લદાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાં હિન્દુ-મુસ્લિમના,ઇદ-દિવાળી જોડે મળી ઉજવાય છે,

પણ જાતિવાદની રાજનીતિ કરી, બંનેને લડાવી મરાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાં કોમી એકતાની માત્ર વાતો જ થાય છે,

બાકી ‘મોટા લોકોને’ તો અઝાન પણ નડી જાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાં ચૂંટણી પ્રચાર વખતે પ્રાથમિક જરૂરિયાત ના વાયદા થાય છે,

પણ સમય જતાં, થાળીમાંથી દાળ-ટામેટાં પણ ગાયબ થાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
અહીંનો યુવક પૈસા ની ભૂખે વિદેશ ભણી જાય છે,

કારણકે અહીં હજુ આરક્ષણ-આરક્ષણ ગવાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાં સરકારી નોકરીને ‘શાંતિની જીંદગી’ તરીકે જોવાય છે,

કારણકે પછી જ તો ટેબલ નીચેથી ‘ખોખા’ લેવાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાંનું યુવાધન દુનિયા આખીને આંખે ચડીને દેખાય છે,

પણ અહીંના બેકાર ઇજનેરો દ્વારા તલાટીના ફોર્મ ભરાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
દુનિયા આખી જ્યાંની લોકશાહીના ગુણગાન ગાય છે,

પણ એમને શું ખબર, અહીં કેવાક ‘ગતકડા’ થાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાંની સરકાર સ્ત્રી-સશક્તિકરણ ના ગીતો ગાય છે,

પણ છાપા તો ભ્રૂણહત્યા, બળાત્કારથી જ ઉભરાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાંની સર્જીકલ સ્ટ્રાઈકની દુનિયાભરમાં વાતો થાય છે,

પણ અહીં ઘૂસણખોરી, આતંકવાદ ની માત્ર ‘કડી નિંદા’ જ થાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
જ્યાં સોશિયલ મીડિયાને વિશાળ ફલક કહેવાય છે,

અને એની પર જ IB, IT ની વૉચ રખાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
આપણને ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ વચ્ચેનો જ ભેદ ક્યાં સમજાય છે,

એમાં ‘હિન્દુસ્તાન’ તો સાવ નેવે જ મુકાઈ જાય છે !

એવા એક મહાન દેશની આ વાત છે…
હા, કહેતાં તો મને પણ દુઃખ થાય છે…

પણ અહીં મારા જ મહાન ભારત દેશની વાત થાય છે !

બેટી બચાવો 

​હા તો મુદ્દો છે બેટીઓ ને બચાવવાનો..આ કોઈ સજેશન નથી,આ જરૂરિયાત છે ! છુટકો જ નથી બેટીઓ બચાવ્યા સિવાય ! સ્ત્રી-પુરુષ નો રેશિયો જે રીતે છે એ રીતે બેટીઓ બચાવવી જ પડશે. નહી તો લગન કોની જોડે કરશો??  રીચાર્જ કોનુ કરાવશો?? છોકરાઓ નો વિચાર કરો યાર કોઈ.. સારુ લાગશે કે તમારો છોકરો કોઈ ફેક અકાઉન્ટ જોડે લગન કરી રહ્યો છે.. ચલો એતો ગમે એમ દિલ પર પત્થર રાખી ને સ્વીકારી લઈએ તો પણ કંકોત્રી માં શું લખાવશો??  અખંડ સૌભાગ્યવતી કરીને તમારા બાબા નુ નામ લખશો કે સામે વાળી પાર્ટીનુ? એટલે જ કહુ છુ.. બેટી બચાવો..!!  પણ જેન્ડર ઈક્વાલીટી માં માનનારા લોકો નુ માનીએ તો બેટાઓ ની પણ વાત કરવી પડે… હા તો આપણા ત્યાં પાછુ બેટીઓ ને જ બચાવવાની વાત થાય છે.. બેટાઓ ને નહી  ! પછી એમ ના થાય કે સેવ ટાઈગર સેવ ટાઈગર કરવામાં ને કરવામાં વાંદરા નામશેષ ના થઈ જાય. એટલે મારો અહીં છોકરીઓ ને ટાઈગર અને છોકરાઓને વાંદરા જોડે સરખાવવા નો હેતુ ફક્ત ઉદાહરણ આપવા પુરતો જ છે.. વાંદરી જેવી છોકરીઓ અને વાધ જેવા છોકરાઓ મને મારવા ના આવે એવી એક વિનંતી છે. મુદ્દા પર પાછા આવીએ તો બેટીઓ બચાવવાથી સૌથી મોટો ગેરફાયદો બેટાઓને છે..! જુઓ સમજાવુ  , અત્યારે જે રીતે બેટીઓ ઓછી ને બેટાઓ વધારે છે તો એક બેટી બે-ત્રણ બેટાઓ જોડે ” હાફ-હાફ” ગર્લફ્રેન્ડ બનેલી જોવા મળે છે. હવે ફાયદો એ કે એ બેટી કે ખાનેકા ખિલાને કા પિક્ચર દિખાને કા 9 સે 12 ડિસ્કો મેં નચાનેકા પૈસા તો લગતા હૈ ના બોસ…! આ ખર્ચો પેલા 2-3 બેટાઓ વચ્ચે ડિવાઈડ થય જાય છે. હવે જો આવુ ના થાય તો… જસ્ટ ઈમેજીન આનુ એકદમ ઊંધુ થાય તો..! ( એક છોકરો 2-3 છોકરીઓ નો હાફ બોયફ્રેન્ડ હોય. અહીં ઉલ્લેખનીય છે કે ખર્ચો તો છોકરાએ જ કાઢવાનો હોય છે… ત્યાં કંઈ ઉલટુ ના થાય લ્યા ) એક છોકરાને માથે 2-3 છોકરીઓ ના ખર્ચા…! બિચારા ની જીંદગી નુ તો “એન્જીનિયરીંગ” થય જાય…! અને  હા , બેટીઓ બચાવવી જ પડે. કારણ કે બેટીઓ જાય તો એની સાથે  “નખરા” ,  “એટીટ્યુડ” , “બેવકુફી”  જેવી વસ્તુઓ પણ નામશેષ થઈ જાય. વળી એક સર્વે માં એવુ પણ જાણવા મળ્યુ છે કે 60% ઘરના ઝઘડા અને 80% રોડ પર એક્સિડેન્ટ બેટીઓ ના લીધે જ થાય છે. હવે બેટીઓ જ ના હોય તો વકીલ અને દાક્તરો તો ભુખે મરે. એ લોકો કમાસે નહી તો ટેક્સ કોણ ભરશે ?  ટેક્સ નહી ભરાય તો દેશ આગળ ક્યાંથી વધશે.. બીજુ, કે બેટીઓ બેટાઓ જોડે જે ખર્ચા કરાવે છે એમાં પણ 20%જેવો ટેક્સ લાગે છે એટલે એક એ રીતે પણ બેટીઓ દેશના વિકાસ માં બેટાઓ ના પાકીટ માંથી પોતાનો અમુલ્ય ફાળો અપાવે છે…! આમ, બધુ હળીમળીને બેટી બચાવવી એ એક રાષ્ટ્રીય અભિયાન જ છે…! તો મિત્રો , બચાવજો હોં.

દર્શવાણી  :   બસ, મને મારવા ના આવતા…. મજાક ને મજાક ની રીતે લો…! 

સિંગલ ! 

​સિંગલ – આ એક શબ્દ નથી, આ પોતાનામાં જ એક આખુ વાક્ય છે. સિંગલ એ એક પરિસ્થિતિ છે, સિંગલ એ એક સ્ટેટસ છે જેનાથી માણસ નુ કેરેક્ટર નક્કી થાય છે. સિંગલ એટલે મારા અને તમારા જેવા લોકો. યેસ તમે સિંગલ છો એટલે જ આ લેખ વાંચી રહ્યા છો જો સિંગલ ના હોત તો પોતાના બાબુ જોડે ગપ્પા ના લડાવતા હોત.! સિંગલ લોકો એ દુખી થવાની જરૂર નથી, કારણકે સિંગલ હોવુ એટલે પોતાના જ પ્રેમ માં પડવુ( બીજો કોઈ ઓપ્શન ના હોય ને યાર) .. સિંગલ હોવા ના કેટલાક સારા એવા કારણો નીચે ટપકાવુ છુ.  પહેલુ અને સૌથી મોટુ કારણ છે,ઈચ્છા ન હોવી… ના ના સિંગલ લોકો ની નહી, સામે વાળી પાર્ટીની ! બીજુ કારણ કે એક વખત પાર્ટી બકરો/બકરી બની ગઈ હોય તો બીજી વખત એને બકરો/રી બનવામાં રસ ન હોય. ત્રીજુ એક કારણ મુખારવિંદ, ગાંધીજી અને મંડેલા ના આટલા બધા સથાક પ્રયત્નો પછી પણ લોકો રંગભેદ કરે છે જે નિંદનીય છે. ચોથુ એક કારણ  છે  “સેલ્ફ રીજેક્શન” સામે વાળી પાર્ટી પાછળ પડેલા લોકો ની લાંબી લાઈન જોઈને જ ઘણા લોકો માનસિક રીતે હાર માની જાય છે એટલે એમનો મેળ નથી પડતો.. .  અન્ય ઘણા કારણો માં આત્મવિશ્વાસ નો અભાવ, લાફો પડવાનો ડર, દિલ ના કટકા થઈ જવાની બીક જેવા અન્ય ઘણા કારણો છે…. નાનપણ માં નિબંધ આવતો એક “લાભાલાભ”  નો.. એમ જ આ સિંગલ રહેવાના/હોવાના પણ લાભાલાભ છે.  લાભો નુ લિસ્ટ સારુ એવુ છે. સિંગલ માણસો ને સૌથી વધારે આર્થિક લાભ થાય છે ( ફક્ત છોકરાઓ ને) બધા કિસ્સા ની જેમ આમાં પણ ન્યુટન નો ત્રીજો નિયમ લાગુ પડે છે, બકરો બનાવ્યા પછી છોકરી ને જેટલો ખર્ચો ઓછો થાય છે, છોકરાને એટલા જ પ્રમાણમાં ખર્ચો વધી જાય છે…!  એટલે મહિના નુ નેટ-પેક, રીચાર્જ, શોપિંગ, મેક-અપ એ બધાનો ખર્ચો બચી જાય છે…. બીજુ કે સિંગલ લોકોની જીભ ચોખ્ખી રહે છે, જીભમાં તોતડાપણુ નથી આવતુ. ત્રીજુ કે માણસની ઊંઘ પૂરી થાય છે, રાત્રે ત્રણ વાગે બાબુ-ફાબુ ના લમણા નથી લેવા પડતા ! એક ફાયદો  એ કે રોજ-રોજ રોમેન્ટિક શાયરીઓ સહન નથી કરવી પડતી….., પોતાની સાથે ચીટીંગ એટલે કે છેતરાઈ જવાની બીક નથી રહેતી ! ઘરમાં બેઠા-બેઠા ફોન સામે જોઈ મોઢા પર સ્માઈલ આવે તો મમ્મી-પપ્પાને સાચુ એક્સપ્લેનેશન આપી શકાય છે… મજા આવે એવો ફાયદો છે મની મેનેજમેન્ટ નો,જસ્ટ ઈમેજીન કરો કે તમને ભુખ લાગી છે અને તમારી પાસે 50 રૂપિયા ની સાથે સાથે ગર્લફ્રેન્ડ પણ છે, તો તમારા 50 રૂપિયા ગર્લફ્રેન્ડ ના એક બેકાર કોફા માં જતા રહેશે… પણ જો તમે સિંગલ હશો તો તમે 15 વાળા 3 વડાપાવ એક્સ્ટ્રા ચટની સાથે ખાઈ શકો અને પાંચ રૂપિયા પણ વધશે….!!! એક સારો ફાયદો છે ફ્રીડમ નો.. “સેટિંગ માં પડ્યા એટલે પતી ગયુ બીજી કોઈ પાર્ટી સામુ આંખ ઊંચી કરીને જોઈ પણ ન શકો તમે… પણ સિંગલ લોકો ઘણી બધી પાર્ટીઓ સાથે થોડુ-થોડુ” સેટિંગ “રાખી શકાય છે… સૌથી મહત્વનુ, “ચાર લોકોને કરવા માટે આપણા વિશે વાતો નથી મળતી”  સિંગલ હોવા ના ગેરફાયદા એ એના ફાયદા કરતા ઓછા છે, બસ અરિજીત સિંઘ ના ગીતો સાંભળતી વખતે થોડુ દુખ થાય , તમે અલતાફ રાજા ના ફેન બની જાઓ.. બીજુ કંઈ નહી ! તો સિંગલ હોવુ એ કોઈ ખરાબ વાત નથી ( એમ તો સારી પણ નથી) 

દર્શવાણી : “लोग प्रपोज कैसे कर लेते है पता नही हम तो एक्स्ट्रा गोलगप्पे भी नही मांग पाते”  સ્ટેટસ વાળા જ્યારે બે-બે ગર્લફ્રેન્ડો લઈ ને ફરતા હોય ત્યારે સાલુ માણસાઈ પરથી વિશ્વાસ ઊઠી જાય ! 

9રા🌳

આવી રહ્યો છે આવી રહ્યો છે… ઓફિશીયલી નવરાત્રી નો તહેવાર આવી રહ્યો છે.. હા ઓફિશીયલી એટલા માટે કે આપણા ગુજરાતીઓ માટે પેટપુજા અને ગરબા માટે કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો  એ ગમે ત્યાં અને ગમે તે સમયે થઈ શકે છે..! હમણા ગણપતિ વિસર્જન કર્યુ તો એમાંય આપણી પ્રજા ગરબા કરતી જોવા મળી હતી.. કોઈના લગન માં ગરબા નથી છોડતા ને..! . શરૂઆત થી શરૂ કરીએ તો હવે 7-8 દિવસ બાકી રહ્યા છે નવરાત્રી ને , લોકોના મોબાઈલ માં માતાજી ના ફોટા ડાઉનલોડ થઈ રહ્યા હશે.. પોતાનુ વોલપેપર હટાવી માતાજી નો ફોટો એઝ વોલપેપર મુકાઈ ગયો હશે , માતાજી ની આરતીઓ અને ગરબા ડાઉનલોડ થઈ ગયા હશે, ઘરમાં ક્યાંક ખુણામાં પડી રહેલો માતાજી નો ફોટો સાફ કરતા હશે લોકો ! 80% લોકો ભૂલી ગયા હશે કે નવરાત્રી એ ગરબા નો નહી પણ માતાજી ની આરાધના નો તહેવાર છે..! નવરાત્રી નો ઉત્સાહ દરેક ઉંમરમાં સરખો રહે છે બસ એ ઉત્સાહ ના કારણો બદલાતા જાય છે….  નાનપણમાં મલ્લા માતા બનાવવાનો ઉત્સાહ , જુવાની માં રાત-રાત સુધી રખડવાનો અને થોડાક અંશે ગરબા ગાવાનો ( એ પણ જો “કોઈ”  સાથે ગાવા વાળી પાર્ટી જોડે હોય તો જ ) અને બાકી ની ઉંમરમાં દર્શન કરવાનો ઉત્સાહ ( કોના દર્શન કરવા એ સમજી જવુ , તમે તો હોશિયાર માણસ છો !)  એવુ જાણવા મળ્યુ છે કે જે લોકો એક નાનકડી બે મિનીટમાં બનતી મેગી પણ નથી બનાવી શકતા એ લોકો નવરાત્રી ના નવ દિવસો માં જનમોજનમ ના સબંધો બનાવી લે છે. આમ નવરાત્રી એ ધાર્મિક ની સાથે સાથે રોમેન્ટિક તહેવાર પણ છે..!! પહેલા આરતી, પુજા, અર્ચના (માતાજી ની) અને પછી ના જાણે કોણ કોણ  ! ઈનશોર્ટ નવરાત્રી એ એક ધાર્મેન્ટિક તહેવાર છે.  તો આ ધાર્મેન્ટિક તહેવાર માં એક સમયે સોસાયટી અને પોળો ધમધમતી હતી. અત્યારે એની જગ્યા પાર્ટીપ્લોટો એ લઈ લીધી છે , આપણા ઈન્ડિયા ના લોકો ને પહેલે થી જ ખુલ્લામાં ફાવે ને..! (ગરબા હોય કે પછી…) નવરાત્રી એટલે પાસ ની મારામારી.. ગ્રુપ માં પરાણે એક મિત્ર એવો રાખવો પડે છે જે પાસ નુ “સેટિંગ” કરી શકતો હોય..! ગરબા કરવાનુ આવે એટલે એ એક ને તો સાઈડ માં જ કરી દેવામાં આવે છે… પણ પણ પણ જ્યારે 90-90 કિલો ની પાડા જેવી છોકરીઓ “પરી હું મેં” પર કુદી કુદી ને ગરબા કરે ત્યારે સાલુ લાગી આવે.. પછી ચીફ ગેસ્ટ દ્વારા એમને ધરતી ધ્રુજાવી દેનાર પર્ફોરમન્સ માટે એવોર્ડ પણ મળે છે..! ત્રાસ તો આ ગરબા ક્લાસ માંથી ગરબા શીખી ને આવ્યા હોય એવા ગરબાવીરો નો હોય છે… આખા ગામની જગ્યા રોકી ગરબા સિવાય ના બધા જ ડાન્સ તાળીઓ પાડી ને કરતા હોય એ લોકો. ઘણા લોકો એવા પણ હોય જે ફક્ત તાળીઓ પાડી ગોળ ગોળ ફરતા ફરતા  લોકો નુ મનોરંજન અને પોતાનુ પ્રદર્શન કરતા હોય. હા, નવરાત્રી એ ગુજરાતી ગાયક કલાકારો માટે અખિલ ભારતીય રોજગાર યોજના થી ઓછી નથી.કિરણ બેદી જેવી લાગતી ફાલ્ગુની પાઠક જેવા કલાકારો ઈંધણા વીણતા વીણતા છેલ્લે કરોડો રૂપિયા વીણી જાય છે. નવ દિવસ કામ અને વરસ આખુ આરામ…! 
દર્શવાણી : નવરાત્રી માં ઢીલુ પેન્ટ ના પહેરાય !